September 18, 2011

નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર ગામે થયો હતો. સમાજસેવા, ઉદારતા અને પરોપકારના મૂલ્યોની માવજત કરતાં માહોલમાં તેમનો ઉછેર થયો હોવાને કારણે બાળપણથી જ તેમનામાં એ ગુણોનું સિંચન થયું હતું. ૧૯૬રના મધ્યમાં થયેલાં ભારત-ચીન યુદ્ધ સમયે તેઓ માંડ બાર-પંદર વર્ષના હતા. આટલી નાની વયે તેઓ લશ્કરના જવાનોને મહેસાણા રેલ્વે સ્ટેશન પર મદદ કરવા પહોંચી ગયા હતા. માણસોનાં મનોવલણને ઓળખવાની સૂઝ અને સંગઠન શક્તિના ગુણને કારણે ખૂબ નાની વયે નરેન્દ્ર મોદીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - રાષ્‍ટ્રીય કાર્યકારિણીના નેતા ચૂંટવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ગુજરાતમાં રાજકીય - સામાજિક સ્તરે તેમની ભૂમિકા પણ મહત્વની બની રહી હતી.


નાનપણથી જ તેમનું જીવન સંધર્ષમય રહ્યું હતું. આત્મબળ અને હિંમતને કારણે દરેક સંધર્ષનો તેમણે એક સૈનિકની માફક સામનો કર્યો અને દરેક પ્રતિકૂળ પરિસ્થતિને સાનુકૂળ બનાવી જીવનમાં આગળ ને આગળ વધતા રહ્યા. ડગલું ભર્યું તે ના હટવું એ નરેન્દ્ર મોદીનો ગુરુમંત્ર રહ્યો છે. નરેન્‍દ્ર મોદીની સ્‍વભાવની વિશેષતા છે કે એક વાર આગળ ડગલું માંડયું પછી ક્યારેય પાછું વાળીને જોવાનું નહીં અને હાથમાં લીધેલું કામ ક્યારેય હારીને - થાકીને પડતું મૂકવાનું નહીં! તેમણે રાજ્યશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સ્‍વયંસેવક બન્‍યા. આ સંસ્થામાં રહીને તેઓ નિઃસ્વાર્થપણું, સામાજિક નિષ્ઠા અને દેશભિક્તના પાઠો ભણ્યા અને યુવાન વયે પોતાનું સર્વસ્‍વ ભારતમાતાને ચરણે સમર્થન કરી સંઘના પ્રચારક બન્‍યા.